દાનિયેલ
લેખક
આ પુસ્તકનું નામ તેના લેખક પરથી અપાયું છે. દાનિયેલનું પુસ્તક ઇઝરાયલથી દેશનિકાલ થયેલા યહૂદી તરીકે દાનિયેલના બાબિલમાંના સમયની રચના છે. “દાનિયેલ” નામનો અર્થ “ઈશ્વર મારા ન્યાયાધીશ છે” એવો થાય છે. ઘણા શાસ્ત્રભાગોમાં પુસ્તક સૂચિત કરે છે કે તેનો લેખક દાનિયેલ હતો, જેમ કે 9:2; 10:2. દાનિયેલે પોતાના અનુભવો તથા પ્રબોધવાણીઓ દેશનિકાલ થયેલા યહૂદીઓ માટે તેના બાબિલની રાજધાનીમાંના સમય દરમ્યાન નોંધી હતી, કે જ્યાં તેની રાજા માટેની સેવાએ તેને સમાજના સૌથી ઉચ્ચ સ્તરના લોકો સુધી પહોંચવાનો વિશેષાધિકાર આપ્યો હતો. પરાયા દેશ અને સંસ્કૃતિમાં તેની પ્રભુ માટેની વિશ્વાસુ સેવા તેને બાઇબલના બધા જ પાત્રોમાં અજોડ પાત્ર બનાવે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 605 થી 530 વચ્ચેનો છે.
વાંચકવર્ગ
બાબિલમાંના દેશનિકાલ થયેલા યહૂદીઓ તથા ત્યાર બાદના બાઇબલના બધા જ વાંચકો.
હેતુ
દાનિયેલનું પુસ્તક દાનિયેલના કાર્યો, પ્રબોધવાણીઓ અને દર્શનો નોંધે છે. આ પુસ્તક શીખવે છે કે ઈશ્વર પોતાના અનુયાયીઓ પ્રત્યે વિશ્વાસુ છે. પૃથ્વી પરની પોતાની ફરજો બજાવતી વખતે, પરીક્ષણ તથા લોકોનું દબાણ હોવાં છતાં વિશ્વાસીઓએ ઈશ્વરને વિશ્વાસુ રહેવાનું છે.
મુદ્રાલેખ
ઈશ્વરનું સાર્વભૌમત્વ.
રૂપરેખા
1. મહાન મૂર્તિ વિશેના સ્વપ્નનું દાનિયેલનું અર્થઘટન — 1:1-2:49
2. શાદ્રાખ, મેશાખ અને અબેદનગોનો બળતી ભઠ્ઠીમાંથી બચાવ — 3:1-30
3. નબૂખાદનેસ્સારનું સ્વપ્ન — 4:1-37
4. હાલતી આંગળીનું લખાણ અને દાનિયેલ વિનાશની પ્રબોધવાણી — 5:1-31
5. સિંહોની ગુફામાં દાનિયેલ — 6:1-28
6. ચાર હિંસક પશુઓનું દર્શન — 7:1-28
7. મેંઢો, બકરો અને નાનું શિંગડાનું દર્શન — 8:1-27
8. દાનિયેલની 70 વર્ષ વિષેની પ્રાર્થનાનો જવાબ — 9:1-27
9. દાનિયેલનું અંતિમ મહાન યુદ્ધ વિષેનું દર્શન — 10:1-12:13
1
જુવાનો નબૂખાદનેસ્સારના દરબારમાં
1 યહૂદિયાના રાજા યહોયાકીમના શાસનના ત્રીજા વર્ષે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે યરુશાલેમ આવીને તેની ચારેબાજુ ઘેરો ઘાલ્યો.
2 પ્રભુએ યહૂદિયાના રાજા યહોયાકીમને, ઈશ્વરના સભાસ્થાનનાં કેટલાંક પાત્રો સહિત નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યો. તે તેને શિનઆર દેશમાં, તેના દેવના મંદિરમાં લાવ્યો. તેણે તે પાત્રો પોતાના દેવના મંદિરના ભંડારમાં મૂકી દીધાં.
3 રાજાએ પોતાના મુખ્ય અધિકારી આસ્પનાઝને કહ્યું, “તારે કેટલાક રાજવંશી તથા અમીર કુટુંબોના ઇઝરાયલી જુવાનોને લાવવા.
4 એ જુવાનોમાં કશી ખોડખાંપણ ન હોય, તેઓ ઉણપ વગરનાં, દેખાવમાં મનોહર, સર્વ બાબતમાં ડહાપણ, વિદ્યાપારંગત, વિજ્ઞાનમાં પ્રવીણ, રાજાના મહેલમાં રહેવાને લાયક હોય. તેઓને તારે ખાલદીઓની ભાષા તથા વિદ્યા શીખવવી.
5 રાજાએ તેઓને માટે પોતાની વાનગીઓમાંથી તથા પીવાના દ્રાક્ષારસમાંથી તેઓને માટે રોજનો હિસ્સો ઠરાવી આપ્યો. ત્રણ વર્ષ સુધી તેઓનું પોષણ કરાય અને તે પછી, તેઓ રાજા સમક્ષ હાજર થાય, એવો નિર્ણય કરાયો.
6 આ જુવાનોમાં યહૂદાના કુળના દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યા હતા.
7 મુખ્ય ખોજાએ તેઓને નામ આપ્યાં: તેણે દાનિયેલનું નામ બેલ્ટશાસ્સાર, હનાન્યાનું નામ શાદ્રાખ, મીશાએલનું નામ મેશાખ તથા અઝાર્યાનું નામ અબેદ-નગો પાડ્યાં.
8 દાનિયેલે પોતાના મનમાં નક્કી કર્યું કે, તે રાજાના ભોજનથી તથા જે દ્રાક્ષારસ તે પીએ છે તેનાથી પોતાને ભ્રષ્ટ કરશે નહિ. તેથી તેણે મુખ્ય ખોજા પાસે પોતાને ભ્રષ્ટ ન કરવાની પરવાનગી માગી.
9 હવે ઈશ્વરની કૃપાથી દાનિયેલ ઉપર મુખ્ય ખોજાની કૃપાદ્રષ્ટિ થઈ. તેણે તેના પર કૃપા કરી.
10 મુખ્ય ખોજાએ દાનિયેલને કહ્યું, “મને મારા માલિક રાજાની બીક લાગે છે. તેમણે તમારે શું ખાવું તથા શું પીવું તે નક્કી કરી આપ્યું છે. શા માટે તે તને તારી ઉંમરના બીજા જુવાનોના કરતાં કદરૂપો જુએ? જો એવું થાય તો રાજા સમક્ષ મારું શિર જોખમમાં મુકાય.”
11 ત્યારે જે કારભારીને મુખ્ય ખોજાએ દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાની ઉપર નીમ્યો હતો તેને દાનિયેલે કહ્યું,
12 “કૃપા કરીને, તારા દાસોની દસ દિવસ પરીક્ષા કર. અમને ખાવાને માટે ફક્ત શાકભાજી તથા પીવાને માટે પાણી આપજો.
13 પછી જે યુવાનો રાજાની ઠરાવેલી વાનગીઓ ખાય છે તેમના દેખાવ અને અમારો દેખાવની સરખામણી કરજો, પછી તમે જે પ્રમાણે જુઓ તે પ્રમાણે તારા દાસો સાથે વર્તજો.”
14 તેથી ચોકીદાર તેઓની સાથે આ પ્રમાણે કરવાને સંમત થયો, તેણે દસ દિવસ સુધી તેઓની પરીક્ષા કરી.
15 દસમા દિવસને અંતે જે જુવાનો રાજાની વાનગીઓ ખાતા હતા તેઓના કરતાં આ જુવાનો વધારે સુંદર તથા વધારે હૃષ્ટપૃષ્ટ દેખાયા.
16 તેથી કારભારીએ રાજાએ ઠરાવેલી વાનગીઓ તથા દ્રાક્ષારસને બદલે તેઓને ફક્ત શાકભાજી આપવા માંડ્યું.
17 આ ચાર જુવાનોને ઈશ્વરે સર્વ વિદ્યામાં તથા ડહાપણમાં કૌશલ્ય આપ્યું. દાનિયેલ સર્વ સંદર્શનો તથા સ્વપ્નોનો મર્મ સમજતો હતો.
18 તેઓને પોતાની હજૂરમાં લાવવાને માટે રાજાએ જે સમય ઠરાવ્યો હતો તે સમય પૂરો થયો ત્યારે મુખ્ય ખોજો તેઓને નબૂખાદનેસ્સારની આગળ લાવ્યો.
19 રાજાએ તેઓની સાથે વાતચીત કરી તો સર્વમાં દાનિયેલ, હનાન્યા, મીશાએલ તથા અઝાર્યાના જેવા બીજા કોઈ માલૂમ પડ્યા નહિ. તેઓ રાજાની હજૂરમાં તેની સેવા કરવા માટે ઊભા રહ્યા.
20 ડહાપણ તથા સમજની દરેક બાબતો વિષે રાજાએ તેઓને જે પૂછ્યું તે બધામાં તેઓ રાજ્યના બધા જાદુગરો તથા મેલીવિદ્યા કરતા દસગણા શ્રેષ્ઠ માલૂમ પડ્યા.
21 કોરેશ રાજાના શાસનના પહેલા વર્ષ સુધી દાનિયેલ ત્યાં રહ્યો.