44
પૂર્વના દરવાજેથી પ્રવેશવાનો પરવાનો
1 પછી તે માણસ મને પાછો સભાસ્થાનની પૂર્વ તરફ જેનું મુખ છે તે પવિત્રસ્થાનના બહારના દરવાજા આગળ લાવ્યો. તે દરવાજો બંધ હતો.
2 યહોવાહે મને કહ્યું, “આ દરવાજો બંધ રહે; તે ઉઘાડવો નહિ. કોઈ માણસ તેમાં થઈને અંદર ન આવે, કારણ, કે ઇઝરાયલના ઈશ્વર તેમાં થઈને અંદર આવ્યા હતા તેથી તે બંધ રાખવામાં આવે.
3 ઇઝરાયલનો સરદાર યહોવાહની આગળ રોટલી ખાવાને તેમાં બેસે. તે દરવાજાની ઓસરીને માર્ગે પ્રવેશ કરે અને તે જ માર્ગે બહાર નીકળે.”
મંદિર પ્રવેશના નિયમો
4 પછી તે માણસ મને ઉત્તરના દરવાજેથી સભાસ્થાનની આગળ લાવ્યો. મેં જોયું તો જુઓ યહોવાહના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. હું ઊંધો પડ્યો.
5 ત્યારે યહોવાહે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને યહોવાહના સભાસ્થાનના નિયમો તથા સર્વ વિધિઓ વિષે કહું તે બધું બરાબર ધ્યાનમાં લે. તારી નજરથી જો, તારા કાનોથી સાંભળ. ઘરમાં પ્રવેશ કરવાના તથા પવિત્રસ્થાનના બહાર નીકળવાના દરેક માર્ગ પર પણ ખાસ ધ્યાન આપ.
6 આ બંડખોર ઇઝરાયલી લોકોને કહે કે ‘પ્રભુ યહોવાહ કહે છે: હે ઇઝરાયલી લોકો તમે તમારાં ધિક્કારપાત્ર કૃત્યોમાં જે કર્મ કર્યું છે તે બંધ કરો તો સારું,
7 તમે રોટલી, ચરબી તથા રક્ત અર્પણ કરતી વખતે વિદેશીઓને કે, જેઓ હૃદયમાં તથા શરીરમાં બેસુન્નત છે, તેવા લોકોને મારા પવિત્રસ્થાનમાં લાવીને સભાસ્થાનને અશુદ્ધ કર્યું છે, મારા કરારનો ભંગ કરીને તમારાં ધિક્કારપાત્ર કાર્યોમાં વધારો કર્યો છે.
8 તમે મારા પ્રત્યેની તમારી ફરજમાં જવાબદારી પૂર્વક કામ કર્યું નથી, તમે મારા પવિત્રસ્થાનની સંભાળ રાખવાનું કામ બીજાને સોંપી દીધું છે.
9 પ્રભુ યહોવાહ આમ કહે છે: ઇઝરાયલી લોકોમાં જે વિદેશીઓ છે, તેઓમાંનો કોઈ પણ હૃદયમાં તથા શરીરમાં બેસુન્નત હોય તે મારા ઘરમાં પ્રવેશ ન કરે.
ભટકેલા લેવીઓ યાજકપદ ન ભોગવે
10 જ્યારે ઇઝરાયલીઓ મારાથી દૂર ગયા, ત્યારે લેવીઓ પણ મારાથી દૂર જતા રહ્યા, મારાથી દૂર જઈને પોતાની મૂર્તિઓ પાછળ ગયા, માટે હવે તેઓને તેઓનું પાપનું બોજ ઉઠાવવું પડશે.
11 તોપણ તેઓ મારા પવિત્રસ્થાનમાં સેવકો થાય, સભાસ્થાનના દરવાજાની આગળ ચોકી કરે અને ઘરમાં સેવા કરે. તેઓ લોકોને માટે દહનીયાર્પણ તથા બલિદાન ચઢાવે; તેઓ તેમની સેવા કરવા તેમની આગળ ઊભા રહે.
12 પણ તેઓએ તેઓની મૂર્તિઓ આગળ સેવા બજાવી હતી. તેઓ ઇઝરાયલી લોકો માટે પાપરૂપી ઠેસરૂપ થયા હતા. તેથી પ્રભુ યહોવાહ કહે છે મેં તેઓની વિરુદ્ધ સમ ખાધા છે, ‘તેઓને તેઓનાં પાપોના બોજ ઉઠાવવું પડશે.
13 મારા પ્રત્યે યાજકપદની સેવા બજાવવા તથા મારી કોઈ પવિત્ર વસ્તુઓ પાસે, પરમ પવિત્ર વસ્તુઓ પાસે આવવા તેઓ મારી હજૂરમાં નહિ આવે. પણ, તેઓ પોતાનાં દોષપાત્ર તથા ધિક્કારપાત્ર કૃત્યોનાં ફળ ભોગવશે.
14 પણ હું તેઓને તેઓની સઘળી ફરજો તથા તેમાં થયેલા દરેક કામ વિષે સભાસ્થાનના રક્ષક તરીકે રાખીશ.
યાજકોનું કામ
15 અને સાદોકના દીકરા, એટલે લેવી યાજકો, જ્યારે ઇઝરાયલી લોકો મારાથી વિમુખ થયા ત્યારે તેઓ મારી હજૂરમાં આવીને મારી સેવા કરે, મને ચરબી તથા રક્ત ચઢાવવાને મારી આગળ ઊભા રહે.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
16 તેઓ મારા ઘરમાં આવશે; તેઓ મારી સેવા કરવાને મારી મેજ પાસે આવે અને તેઓને સોંપેલી મારી ફરજો બજાવે.
17 તેઓ જ્યારે સભાસ્થાનના અંદરના આંગણામાં પ્રવેશ કરે ત્યારે માત્ર શણનાં વસ્ત્રો પહેરે. સભાસ્થાનના અંદરના આંગણામાં અથવા મંદિરમાં સેવા કરતી વખતે ઊનનાં વસ્ત્રો પહેરે નહિ.
18 તેઓએ માથે શણની પાઘડી પહેરવી અને કમરે શણની ઇજાર પહેરવી. જે વસ્ત્રો પહેરવાથી પરસેવો થાય તેવાં વસ્ત્રો તેઓએ પહેરવાં નહિ.
19 જ્યારે તેઓ બહારનાં આંગણામાં, એટલે બહારના આંગણામાં લોકો પાસે જાય, ત્યારે તેઓ સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તેમને પવિત્ર ઓરડીમાં મૂકે. જેથી તેઓનાં પોતાનાં ખાસ વસ્ત્રોથી લોકો પવિત્ર થઈ જાય નહિ.
20 તેઓ પોતાનાં માથાંનું મુંડન કરાવે નહિ કે પોતાના વાળને વધવા ન દે, પણ તે પોતાના માથાના વાળ કપાવે.
21 કોઈ પણ યાજક દ્રાક્ષારસ પીને આંગણામાં આવે નહિ,
22 તેઓ વિધવા કે છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન ન કરે; પણ ફક્ત ઇઝરાયલમાંથી કુંવારી તથા અગાઉ યાજકની સાથે લગ્ન કરેલી વિધવા સાથે લગ્ન કરી શકે.
23 તેઓ મારા લોકોને પવિત્ર તથા અપવિત્ર વચ્ચેનો ભેદ શીખવે; તેઓએ શુદ્ધ તથા અશુદ્ધ વચ્ચેનો ભેદ સમજાવવો.
24 તકરારમાં તેઓ મારા કાયદા અનુસાર ન્યાય કરવા ઊભા રહે; તેઓ મારા કાનૂનો પ્રમાણે ન્યાય કરે. અને તેઓ દરેક ઉત્સવોમાં મારા નિયમો તથા કાનૂનો પાળે; તેઓ મારા વિશ્રામવારો પાળે.
25 તેઓ માણસના મૃતદેહની પાસે જઈને પોતાને અશુદ્ધ કરે નહિ, તેમ જ તેઓના પિતા, માતા, દીકરા, દીકરી, ભાઈ કે બહેન પણ તે માણસ સાથે સૂઈ ગયા ના હોય, નહિ તો તેઓ અશુદ્ધ થશે.
26 યાજક શુદ્ધ થયા પછી લોકો તેને માટે સાત દિવસ ગણે.
27 જે દિવસે તે પવિત્રસ્થાનમાં આવે, એટલે અંદરના આંગણામાં પવિત્રસ્થાનમાં આવે, ત્યારે તે પોતાના માટે પાપાર્થાર્પણ લાવે.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
28 ‘અને આ તેઓનો વારસો છે: હું તેઓનો વારસો છું, તમારે તેઓને ઇઝરાયલમાં કંઈ મિલકત આપવી નહિ; હું તેઓની મિલકત છું!
29 તેઓ ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ ખાય, ઇઝરાયલમાં અર્પણ કરેલી દરેક વસ્તુ તેઓને મળે.
30 દરેક પેદાશમાંનાં પ્રથમ ફળમાંનો ઉત્તમ ભાગ, દરેક હિસ્સો, હા, સર્વ વસ્તુઓનો હિસ્સો યાજકોનો થાય, તમારા અનાજનો ઉત્તમ ભાગ યાજકોને આપવો, જેથી તમારા ઘર પર આશીર્વાદ રહે.
31 યાજકોએ મૃત્યુ પામેલું કે ફાડી નંખાયેલું પક્ષી કે પશુ ન ખાવું.