5
મંદિરનું ફરી ચાલુ થયેલું બાંધકામ
પછી યહૂદિયા તથા યરુશાલેમમાં જે યહૂદીઓ હતા તેઓને, હાગ્ગાય તથા ઇદ્દોના પુત્ર ઝખાર્યા પ્રબોધકોએ, ઇઝરાયલના પ્રભુ ઈશ્વરના નામે પ્રબોધ કર્યો. શાલ્તીએલના દીકરા ઝરુબ્બાબેલે તથા યોસાદાકના દીકરા યેશૂઆએ, પ્રબોધકો કે જેઓએ તેમને ઉત્તેજન આપ્યું, તેઓની સાથે, યરુશાલેમમાં ઈશ્વરનું ભક્તિસ્થાન બાંધવાનું શરૂ કરી દીધું.
ત્યારે નદી પારના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારોએ આવી તેમને કહ્યું, “આ ભક્તિસ્થાન ફરીથી બાંધવાની અને આ દિવાલોને પૂરી કરવાની પરવાનગી તમને કોણે આપી છે?” વળી તેઓએ કહ્યું, “જે માણસો આ ભક્તિસ્થાન બાંધે છે તેઓનાં નામ આપો” પણ ઈશ્વરની કૃપાદ્રષ્ટિ યહૂદીઓના વડીલો પર હતી તેથી તેઓ અટક્યા નહિ. તેઓ દાર્યાવેશ રાજા તરફથી અધિકૃત ફરમાનની રાહ જોતા હતા.
તાત્તનાય રાજ્યપાલ, શથાર-બોઝનાય તથા બીજા તેઓના સાથી અધિકારીઓએ દાર્યાવેશ રાજા પર પત્ર મોકલ્યો: તેમાં તેઓએ આ પ્રમાણે દાર્યાવેશ રાજાને અહેવાલ લખી મોકલ્યો કે: “તમને શાંતિ હો.
આપને જાણ થાય કે અમે યહૂદિયા પ્રાંતના મહાન ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા હતા. તે મોટા પથ્થરોથી તથા ઈમારતી લાકડાથી બંધાઈ રહ્યું હતું. આ કાર્ય ખંતથી કરાઈ રહ્યું છે અને તેઓને હાથે સફળતાપૂર્વક આગળ ધપી રહ્યું છે. અમે વડીલોને પૂછ્યું, ‘આ ભક્તિસ્થાન બાંધવાની તથા આ કોટ પૂરો કરવાની પરવાનગી તમને કોણે આપી છે?’ 10 વળી અમે તેઓના નામ પણ પૂછયાં, જેથી તમે જાણી શકો કે, કોણ તેઓને આગેવાની આપે છે.
11 તેઓએ ઉત્તર આપ્યો કે, ‘અમે એક, એટલે જે આકાશ તથા પૃથ્વીના ઈશ્વર છે, તેમના સેવકો છીએ, અને ઘણાં વર્ષો અગાઉ ઇઝરાયલના એક મહાન રાજાએ બંધાવેલ સભાસ્થાનને જ અમે ફરીથી બાંધી રહ્યાં છીએ.
12 જો કે, જયારે અમારા પૂર્વજોએ આકાશના ઈશ્વરને કોપાયમાન કર્યા, ત્યારે તેમણે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તેઓને સોંપ્યાં, કે જે આ સભાસ્થાનનો નાશ કરીને લોકોને બાબિલના બંદીવાસમાં લઈ ગયો. 13 તેમ છતાં, બાબિલના રાજા કોરેશે પોતાના રાજ્યના પહેલા વર્ષમાં, ઈશ્વરના એ સભાસ્થાનને પુનઃ બાંધવાનું અમને અધિકૃત ફરમાન કર્યું.
14 ઈશ્વરના સભાસ્થાનની સોનાચાંદીની વસ્તુઓ, જે નબૂખાદનેસ્સાર યરુશાલેમના ભક્તિસ્થાનમાંથી બાબિલના મંદિરમાં લઈ ગયો હતો, તે બધી વસ્તુઓ બાબિલના મંદિરમાંથી પાછી લઈને કોરેશ રાજાએ શેશ્બાસારને, કે જેને તેણે રાજ્યપાલ બનાવ્યો હતો, તેને સોંપી. 15 તેણે તેને કહ્યું, “આ સર્વ વસ્તુઓ લઈને યરુશાલેમના ભક્તિસ્થાનમાં પાછી મૂક. ઈશ્વરના સભાસ્થાનને તેની મૂળ જગ્યાએ ફરીથી બંધાવ.
16 પછી શેશ્બાસારે આવીને ઈશ્વરના એ સભાસ્થાનનો પાયો યરુશાલેમમાં નાખ્યો; અને ત્યારથી તેનું બાંધકામ ચાલુ છે, પણ તે હજી પૂરું થયું નથી.’ ”
17 હવે એ આપની દ્રષ્ટિમાં યોગ્ય લાગે તો, કોરેશ રાજાએ યરુશાલેમમાં ઈશ્વરનું આ ભક્તિસ્થાન બાંધવાનો હુકમ કર્યો હતો કે નહિ, તેની તપાસ આપના બાબિલમાંના ભંડારમાં કરાવશો અને તે બાબતે આપની ઇચ્છા પ્રમાણે હુકમ ફરમાવશો.”