યર્મિયા
લેખક
યર્મિયા અને તેની સાથે તેનો લહિયો બારૂખ. યર્મિયા કે જેણે યાજક અને પ્રબોધક એમ બંને રીતે સેવા કરી તે હિલ્કિયા (2 રાજાઓ 22:8 નો પ્રમુખ યાજકનો નહીં) દીકરો હતો. તે અનાથોથના એક નાનાં ગામનો રહેવાસી હતો (1:1). બારૂખ નામના લહિયાએ તેને સેવામાં મદદ કરી હતી કે જેની પાસે યર્મિયાએ લખાવ્યું અને તેણે લખ્યું અને તેની પાસે પ્રબોધકના સંદેશાઓના લખાણોનો હવાલો હતો. (36:4,32; 45:1). યર્મિયા, આક્રમણ કરતાં બાબિલના લોકો દ્વારા ન્યાય થવાની તેની પ્રબોધવાણીઓને કારણે સંઘર્ષમય જીવન જીવતો “રડતો પ્રબોધક” તરીકે જાણીતો છે (જુઓ 9:1; 13:17; 14:17).
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 626 થી 570 વચ્ચેનો છે.
કદાચને બાબિલના દેશનિકાલ દરમ્યાન કોઈક સમયે તેનું લખાણ પૂર્ણ થયું હતું તો પણ ઘણા માને છે કે તેનું સંપાદન બાદના સમયમાં ચાલુ રહ્યું હશે.
વાંચકવર્ગ
યહૂદા અને યરુશાલેમના લોકો તથા બાઇબલના ત્યાર પછીના બધા જ વાંચકો.
હેતુ
યર્મિયાનું પુસ્તક ખ્રિસ્ત પૃથ્વી પર આવે ત્યારે ઈશ્વર પોતાના લોકો સાથે જે નવો કરાર કરવાનો ઇરાદો રાખતા હતા તેની સૌથી સ્પષ્ટ ઝાંખી કરાવે છે. ઈશ્વર પોતાનો નિયમ તેમનામાં એટલે કે પથ્થરની પાટીઓને બદલે તેઓના હૃદયોમાં લખશે ત્યારે આ નવો કરાર ઈશ્વરના લોકો માટે પુનઃસ્થાપનાનું સાધન બનશે. યર્મિયાનું પુસ્તક યહૂદાને અપાયેલી અંતિમ પ્રબોધવાણીઓ એટલે કે જો તેઓ પશ્ચાતાપ નહીં કરે તો આવનાર વિનાશની ચેતવણી નોંધે છે. યર્મિયા દેશને ઈશ્વર પાસે પાછો ફરવા બોલાવે છે. તેની સાથે, યર્મિયા યહૂદાની પશ્ચાતાપરહિત મૂર્તિપૂજા અને ભ્રષ્ટતાના પરિણામે થનાર વિનાશની અનિવાર્યતા સમજે છે.
મુદ્રાલેખ
ન્યાયશાસન
રૂપરેખા
1. યર્મિયાને ઈશ્વરનું તેડું — 1:1-19
2. યહૂદાને ચેતવણીઓ — 2:1-35:19
3. યર્મિયાનું દુઃખસહન — 36:1-38:28
4. યરુશાલેમનો વિનાશ અને તેના પરિણામો — 39:1-45:5
5. દેશો સંબંધી પ્રબોધવાણીઓ — 46:1-51:64
6. ઐતિહાસિક પરિશિષ્ટ — 52:1-34
1
1 હિલ્કિયાનો દીકરો યર્મિયા, જે બિન્યામીન દેશના અનાથોથના યાજકોમાંનો એક હતો, તેના આ વચન;
2 યહૂદિયાના રાજા આમોનના દીકરા યોશિયાના શાસનકાળના સમયમાં એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે યહોવાહનું વચન તેની પાસે આવ્યું,
3 યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન, તેમ જ તે પછી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા સિદકિયાના અગિયારમા વર્ષના અંત સુધી, એટલે તે વર્ષના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.
યર્મિયાને તેડું
4 યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે;
5 “ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલાં, મેં તને પસંદ કર્યો હતો;
અને ગર્ભસ્થાનમાંથી બહાર આવતા પહેલાં મેં તને પવિત્ર કર્યો હતો. પ્રજાઓને સારુ મેં તને પ્રબોધક થવા માટે નીમ્યો છે.”
6 “મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ!” “મને તો બોલતાં આવડતું નથી, કેમ કે હું તો હજી બાળક છું!”
7 પરંતુ યહોવાહે મને કહ્યું કે,
“હું હજી બાળક છું, એમ કહીશ નહિ’ તને જે સર્વ લોકો પાસે મોકલું ત્યાં તું જા.
અને જે કંઈ હું તને ફરમાવું તે તું તેઓને કહેજે.
8 તે લોકોથી બીશ નહિ, કેમ કે તેઓથી તારો છુટકારો કરવા હું તારી સાથે છું. એવું યહોવાહ કહે છે.”
9 પછી યહોવાહે પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કર્યો. અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે!
10 ઉખેડી નાખવા તથા પાડી નાખવા, વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા સારુ,
મેં આજે તને પ્રજાઓ અને રાજ્યો પર નીમ્યો છે.”
બે સંદર્શનો
11 પછી યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું; “હે યર્મિયા તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું બદામડીનો ફણગો જોઉં છું.”
12 ત્યારે યહોવાહે મને કહ્યું, “તેં બરાબર જોયું છે, કેમ કે મારું વચન પૂર્ણ કરવા સંબંધી હું જાગૃત છું.”
13 બીજીવાર યહોવાહનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું એક ઊકળતું હાંડલું જોઉં છું, તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે.”
14 યહોવાહે મને કહ્યું કે, “ઉત્તરમાંથી દેશના રહેવાસીઓ પર આફત ઊતરશે.
15 કેમ કે યહોવાહ કહે છે, જો, હું ઉત્તરનાં સર્વ કુળોને બોલાવીશ તેઓ આવશે, પછી યરુશાલેમની ભાગળો પાસે તથા આસપાસ તેના સર્વ કોટની સામે, તેમ જ યહૂદિયાનાં બધાં નગરોની સામે તેઓ પોતપોતાનું સિંહાસન ઊભું કરશે.
16 જેઓએ મને છોડીને બીજા દેવોની આગળ ધૂપ બાળ્યો છે તથા પોતે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે. તેઓની સર્વ દુષ્ટતાને લીધે હું તેઓની વિરુદ્ધ મારાં ન્યાયશાસન પ્રગટ કરીશ.
17 તેથી તું તારી કમર બાંધીને ઊઠ. અને જે કંઈ હું તને ફરમાવુ તે તું તેઓને કહે. તેઓથી તું ગભરાઈશ નહિ, રખેને હું તને તેઓની આગળ ભયગ્રસ્ત કરું.
18 અને જો, આખા દેશની સામે, યહૂદિયાના રાજાઓની સામે, તેના અધિકારીઓની સામે, તેના યાજકોની સામે તથા દેશના સર્વ રહેવાસીઓની સામે મેં આજે તને કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને પિત્તળના કોટ જેવો કર્યો છે.
19 તેઓ તારી સામે યુદ્ધ કરશે, પણ તને હરાવી શકશે નહિ, કેમ કે હું તારે પડખે રહી તારો બચાવ કરીશ.” એવું યહોવાહ કહે છે.