15
યહૂદિયાની પ્રજાના વિનાશનું ભાવિ
પછી યહોવાહે મને કહ્યું કે, “જો મૂસા તથા શમુએલ મારી સમક્ષ ઊભા રહે, તોપણ હું આ લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઈ જા, તેઓ દૂર જતા રહે. અને જયારે તેઓ તને એમ કહે કે, અમે ક્યાં જઈએ? ત્યારે તું તેઓને કહેજે કે, યહોવાહ આ પ્રમાણે કહે છે;
જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ મરણ તરફ; જેઓ તલવારને માટે નિર્માણ થયેલા છે તેઓ તલવાર તરફ;
જેઓ દુકાળને માટે તેઓ દુકાળ તરફ; અને જેઓ બંદીવાસમાં જવા નિર્માણ થયેલા છે તેઓએ બંદીવાસમાં જવું.’ ”
યહોવાહ કહે છે, હું આ લોકોને માટે ચાર પ્રકારની વિપત્તિ લાવીશ. એટલે મારી નાખવા માટે તલવાર, ઘસડી લઈ જવા સારુ કૂતરાઓ, ખાઈ જવા અને નાશ કરવા સારુ આકાશના પક્ષીઓ તથા પૃથ્વી પરનાં જંગલી પશુઓ. વળી યહૂદિયાના રાજા હિઝકિયાના દીકરા, મનાશ્શાને લીધે એટલે યરુશાલેમમાં તેણે કરેલાં દુષ્ટ કાર્યોને લીધે, હું તેઓને પૃથ્વીના સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.
હે યરુશાલેમ, તારા પર કોણ દયા કરશે? કોણ તારે માટે શોક કરશે?
તારી ખબર અંતર પૂછવા કોણ આવશે?
યહોવાહ કહે છે, તમે મારો ત્યાગ કર્યો છે અને મારા તરફથી પાછા હઠી ગયા છો.
તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને હું તમારો વિનાશ કરીશ. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું.
દેશની ભાગોળોમાં મેં તેઓને સૂપડાથી ઝાટક્યાં છે;
મેં મારા લોકોને નિ:સંતાન તથા નષ્ટ કર્યા છે; જો તેઓ પોતાના દુષ્ટ માર્ગોમાંથી પાછા ફરશે નહિ તો હું તેમનો નાશ કરીશ.
હું તેઓની વિધવાઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી કરીશ. લૂંટારાઓને હું જુવાનોની માતાઓ પર લાવ્યો છું.
મેં તેઓના પર એકાએક દુ:ખ અને ભય આણ્યાં છે.
જેણે સાત દીકરાઓને જન્મ આપ્યો હતો તે ઝૂરે છે, તેણે પ્રાણ છોડ્યો છે. દિવસ છતાં તેનો સૂર્ય અસ્ત પામ્યો છે.
તે લજ્જિત તથા વ્યાકુળ થઈ છે. તેઓના શત્રુઓ આગળ જેઓ હજુ જીવતા હશે તેઓને તલવારને સ્વાધીન કરીશ.
એમ યહોવાહ કહે છે.
યર્મિયાની યહોવાહને ફરિયાદ
10 હે મારી મા, મને અફસોસ! તેં મને આખા જગત સાથે ઝગડો તથા તકરાર કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે.
મેં વ્યાજે ધીર્યું નથી કે તેઓએ મને વ્યાજે આપ્યું નથી, તેમ છતાં તેઓ બધાં મને શાપ આપે છે.
11 યહોવાહે કહ્યું; શું હું તારા હિતને અર્થે તને સામર્થ્ય નહિ આપું?
નિશ્ચે વિપત્તિના સમયે તથા સંકટ સમયે હું વૈરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ.
12 શું કોઈ માણસ લોખંડ એટલે ઉત્તર દેશમાંથી લાવેલું લોખંડ તથા કાંસુ ભાંગી શકે?
13 હું તારું સર્વ દ્રવ્ય અને ખજાનાઓને લૂંટાવી દઈશ.
તારી સર્વ સીમામાં કરેલા તારા પાપને લીધે આ તારી શિક્ષા હશે.
14 હું તમને અજાણ્યા દેશમાં તમારા શત્રુઓની સેવા કરાવીશ.
કેમ કે મારો ક્રોધરૂપી અગ્નિ ભભૂકી ઊઠયો છે. અને તે તમારા પર બળશે.
15 હે યહોવાહ, તમે મારું બધું જાણો છો! મને યાદ કરો અને મને મદદ કરો. મને સતાવનારા પર મારા બદલે વેર લો.
તમારી ધીરજ ખાતર મને દૂર કરશો નહિ. યાદ રાખો કે, તમારે લીધે મેં નિંદા સહન કરી છે.
16 તમારાં વચનો મને પ્રાપ્ત થયા, મેં તે ખાધાં.
અને તેથી મારા હૃદયમાં હર્ષ તથા આનંદ ઉત્પન્ન થયો. કેમ કે હે સૈન્યોના ઈશ્વર, યહોવાહ, તમારા નામથી હું ઓળખાઉ છું.
17 મોજમજા કરનારાઓની સંગતમાં હું બેઠો નહિ કે હરખાયો નહિ.
મારા પરના તારા હાથને લીધે હું એકલો બેઠો. તમે મને ક્રોધથી ભરપૂર કર્યો છે.
18 મને નિરંતર કેમ દુઃખ થાય છે. અને મારો ઘા સારો થતો નથી કે રુઝાતો કેમ નથી?
તમે મારા પ્રત્યે કપટી વહેળાના પાણી જેવા થશો શું?
19 તેથી યહોવાહે આ પ્રમાણે કહ્યું કે, યર્મિયા, જો તું પસ્તાવો કરીશ તો હું તને પાછો લાવીશ. અને મારી આગળ તું ઊભો રહીશ.
અને જો તું હલકામાંથી મૂલ્યવાન અલગ કરીશ તો તું મારા મુખ જેવો થઈશ.
તેઓ તારા તરફ ફરશે. પણ તું તેઓની તરફ ફરીશ નહિ.
20 હું તને એ લોકો સામે પિત્તળની ભીંતરૂપ બનાવીશ, તેઓ તારી સામે લડશે.
પણ તને હરાવી નહિ શકે. કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા હું તારી સાથે છું. એમ યહોવાહ કહે છે.
21 વળી હું તને દુષ્ટ માણસોના હાથમાંથી બચાવીશ. અને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ.”