7
વ્યર્થ ભક્તિ
1 પછી યહોવાહ તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે એ કે,
2 “યહોવાહના મંદિરના પ્રવેશદ્વાર પાસે તું જઈને ઊભો રહે અને ત્યાં આ વચન પોકારીને કહે! હે યહૂદિયાના સર્વ લોક, જેઓ યહોવાહની સ્તુતિ કરવાને આ પ્રવેશદ્વારમાં પેસે છે તે ‘તમે યહોવાહનું વચન સાંભળો.
3 સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; તમારાં આચરણ તથા તમારી કરણીઓ સુધારો, તો હું તમને આ સ્થળે રહેવા દઈશ.
4 “યહોવાહનું સભાસ્થાન! યહોવાહનું સભાસ્થાન, યહોવાહનું સભાસ્થાન અહીંયાં છે!” એવું કહીને જૂઠાં વચનો પર વિશ્વાસ ન રાખો.
5 કેમ કે જો તમે ખરેખર તમારા આચરણ તથા કરણીઓ સુધારો અને અડોશીપાડોશીઓ સાથે ન્યાયપૂર્ણ વ્યવહાર કરો,
6 જો તમે પરદેશીઓ, અનાથો અને વિધવાઓનું શોષણ ન કરો અને જો તમે આ જગ્યાએ નિર્દોષનું લોહી ન રેડો અને જો તમે બીજા દેવો પાછળ ચાલીને તમારો પોતાનો જ વિનાશ ન નોતરો,
7 તો હું તમને આ દેશમાં એટલે જે ભૂમિ મેં તમારા પિતૃઓને સદાકાળ માટે આપેલી છે તેમાં વસવા દઈશ.
8 સાવધ રહો જો કે, તમે જૂઠાં વચનો પર વિશ્વાસ રાખો છો જે તમને કોઈ કામમાં ન આવે.
9 તમે ચોરી કરો છો, ખૂન કરો છો અને વ્યભિચાર કરો છો, ખોટા સમ ખાઓ છો તથા બઆલની આગળ ધૂપ બાળીને અન્ય દેવો જેને તમે ઓળખતા નથી તેમની પાછળ ચાલો છો,
10 તો આ ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેમાં તમે પેસશો અને પછી અહીં આવી મારી સમક્ષ ઊભા રહીને કહેશો કે, ‘અમે બચી ગયેલા છીએ,” તો શું આ બધા ધિક્કારપાત્ર કાર્યો કરી શકો?
11 શું તમારી દૃષ્ટિમાં આ મારું ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તે લૂંટારુઓની ગુફા થઈ ગઈ છે? જુઓ! મેં જાતે આ બધું જોયું છે એમ યહોવાહ કહે છે.
12 તેથી મારું સ્થાન જ્યાં શીલોમાં હતું જ્યાં મેં મારું પ્રથમ નામ રાખ્યું હતું ત્યાં જાઓ. મારા લોક ઇઝરાયલની દુષ્ટતાને કારણે મેં તેના જે હાલ કર્યા છે તે જુઓ.!
13 તેથી હવે, યહોવાહ કહે છે, તમે આ સર્વ દુષ્ટતા કરી છે મેં તમને વારંવાર ચેતવ્યા, પણ તમે સાભળ્યું નહિ, મેં તમને બોલાવ્યા છતાં તમે મને પ્રત્યુત્તર આપ્યો નહિ.
14 તેથી તમે આ સભાસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેના પર ભરોસો રાખો છો, પણ મેં જે સ્થાન તમને તથા તમારા પિતૃઓને આપ્યું, તેના હાલ શીલોના જેવા કર્યા તેવા કરીશ.
15 તમારા ભાઇઓને એટલે એફ્રાઇમના સર્વ વંશજોને મેં બહાર ફેંકી દીધા તેમ હું તમને મારી નજર આગળથી દૂર કરીશ.
લોકોનું અનાજ્ઞાંકિતપણું
16 અને તું, યર્મિયા, એ લોકો માટે વિનંતી કરીશ નહિ કે તેઓને સારુ વિલાપ કે પ્રાર્થના કરીશ નહી. અને મારી આગળ તેમને માટે મધ્યસ્થી કરીશ નહિ. કેમ કે હું તારું સાંભળનાર નથી.
17 તું જોતો નથી કે યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં તેઓ શું કરી રહ્યા છે?
18 મને રોષ ચઢાવવા માટે બાળકો લાકડાં વીણે છે તેઓના પિતાઓ અગ્નિ સળગાવે છે અને આકાશની રાણીને માટે રોટલી બનાવવા સારુ સ્ત્રીઓ લોટ ગૂંદે છે. અને અન્ય દેવોની આગળ તેઓ પેયાર્પણ ચઢાવે છે.
19 યહોવાહ કહે છે શું તેઓ ખરેખર મારું અપમાન કરે છે? શું પોતાના મુખની શરમને અર્થે તેઓ પોતાને જ ચીડવતા અને ફજેત કરતા નથી?
20 તેથી પ્રભુ યહોવાહ એમ કહે છે; જુઓ, આ જગ્યા પર, મનુષ્ય પર, પશુ પર, તેમ જ ખેતરનાં વૃક્ષો પર તથા ભૂમિના પાક પર મારો કોપ તથા મારો ક્રોધ ઊતરશે અને તે બળ્યા કરશે પણ હોલવાઈ જશે નહિ.
21 સૈન્યોના ઈશ્વર યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમારા યજ્ઞમાં તમારાં દહનીયાર્પણો ઉમેરીને માંસ ખાઓ.
22 કેમ કે હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યો ત્યારે મેં તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખી નહોતી કે; મેં તેમને દહનીયાર્પણ અને યજ્ઞ વિષે કોઈ આજ્ઞા ફરમાવી નહોતી.
23 મેં તેમને ફક્ત આટલી આજ્ઞા આપી કે; ‘મારું સાંભળો અને હું તમારો ઈશ્વર થઈશ અને તમે મારા લોકો થશો. તમારું હિત થાય માટે મેં તમને જે માર્ગો ફરમાવ્યા તે સર્વ માર્ગોમાં તમે ચાલો.’ ”
24 પરંતુ તેઓએ સાંભળ્યું નહિ અને ધ્યાન આપ્યું નહિ, પણ પોતાના સંકલ્પ પ્રમાણે તથા પોતાના દુષ્ટ હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ચાલ્યા. આગળ વધવાને બદલે પાછળ હઠયા.
25 જે દિવસથી તમારા પૂર્વજો મિસરમાંથી બહાર આવ્યા ત્યારથી અત્યાર સુધી, સતત હું મારા સેવકોને એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલતો આવ્યો છું.
26 તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ; ધ્યાન આપ્યું નહિ; ઊલટું, તેઓએ હઠીલા થઈને પોતાના પિતૃઓ કરતાં વધારે દુષ્ટતા કરી.
27 તું જ્યારે તેમને આ વાત કરશે ત્યારે તેઓ સાંભળશે નહિ, તું તેઓને બોલાવીશ પણ તેઓ જવાબ આપશે નહિ.
28 માટે તું એમને કહેજે કે, જે પ્રજાએ પોતાના ઈશ્વર યહોવાહની વાણી સાંભળી નહી અને તેમની શિક્ષા માની નહિ તે આ છે. સત્ય નષ્ટ થયું છે તેઓના મુખથી તે કપાઈ ગયું છે.
હિન્નોમની ખીણમાં ધિક્કારપાત્ર કૃત્યો
29 તારા વાળ કાપી નાખ અને તારું માથું મૂંડાવ અને તારા વાળ ફેંકી દે અને પર્વતો પર જઈને વિલાપ કર.
કેમ કે યહોવાહે પોતાના રોષને કારણે આ લોકનો ત્યાગ કર્યો છે.
30 કેમ કે યહોવાહ કહે છે કે, મારી દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે યહૂદિયાના લોકોએ કર્યું છે. જે સભાસ્થાન મારા નામથી ઓળખાય છે તેને અપવિત્ર કરવા માટે તેઓએ પોતાની ધિક્કારપાત્ર મૂર્તિઓ તેમાં મૂકી છે.
31 તેઓએ પોતાના દીકરા દીકરીઓને અગ્નિમાં બલિદાન આપવા માટે બેન-હિન્નોમની ખીણમાં તોફેથ આગળ ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. મેં એવી આજ્ઞા કરી નહોતી કે એવો વિચાર સુદ્ધાં મારા મનમાં આવ્યો નહોતો.
32 તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવે છે કે, જ્યારે તે તોફેથ તથા બેન-હિન્નોમના દીકરાની ખીણ કહેવાશે નહિ પરંતુ કતલની ખીણ કહેવાશે; અને બીજી કોઈ ખાલી જગ્યા નહિ હોવાને લીધે તેઓ મૃતદેહોને તોફેથમાં દફનાવશે.
33 આ લોકના મૃતદેહોને આકાશના પક્ષીઓ અને ભૂમિના પશુઓ ખાશે અને તેમને હાંકી મૂકનાર કોઈ હશે નહિ.
34 ત્યારે યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં આનંદનો તથા હર્ષનો સાદ અને કન્યાનો સાદ હું બંધ કરીશ. કેમ કે દેશ ઉજ્જડ થઈ જશે.’ ”